- 26 May, 2025
- 252
યલો એલર્ટ, 40થી 50 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જાણો અંબાલાલ-ગોસ્વામીની આગાહી
ચોમાસું ગુજરાતથી આશરે 425 કિમી દૂર છે. ચોમાસું શનિવારે કેરળમાં પહોંચ્યું હતુ જ્યારે આજે મહારાષ્ટ્ર પહોંચ્યું છે. મહારાષ્ટ્રમાં 15 દિવસ વહેલી ચોમાસાની પધરામણી થઈ છે.કેરળમાં ચોમાસુ વહેલું પહોંચ્યું એટલે ગુજરાતમાં પણ ચોમાસું વહેલુજ પહોંચે તેવું ન હોય એમ જણાવતા પરેશ ગોસ્વામીએ કહ્યું કે કેરળમાં ચોમાસું પહોંચે તેના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. ઘણી વખત તેના બે-પાંચ દિવસ વહેલું અથવા મોડી શરૂઆત થતી હોય છે. હવે જરૂરી નથી કે કેરળમાં ચોમાસું વહેલું પહોંચે તો ગુજરાતમાં પણ વહેલું આવી શકે છે. જો ચોમાસાને સાનુકૂળ હવામાન મળે તો તે વહેલું ચાલે, પણ ભૂતકાળમાં અનેક વખત એવા રેકોર્ડ છે કે કેરળમાં ચોમાસાની શરૂઆત વહેલી થઈ જાય પછી કોંકણ ગોવા અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવે, ત્યાં યોગ્ય હવામાન ન મળે તો ચોમાસું નિષ્ક્રિય પણ થતું હોય છે. આવું અનેક વખત બન્યું છે
હાલ રાજ્યમાં જે વરસાદ વરસી રહ્યો છે તે ચોમાસાનો વરસાદ નથી. હજુ પણ આ વરસાદ થોડા દિવસ રહેશે. હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ગુજરાતભરમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. હવે માત્ર દરિયામાં કરંટ જોવા મળશે અને તેની અસર ગુજરાતમાં ભારે વરસાદ સ્વરૂપે જોવા મળશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, 28થી 31 મે દરમિયાન ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલ અનુસાર, આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ સારી થશે. ભારે પવનના કારણે બાગાયતી પાકોમાં નુકસાન થવાની શક્યતા છે..










