- 07 Nov, 2025
- 58
ગુજરાત વિધાનસભા પરિસરમાં ‘વંદે માતરમ્’ના 150 વર્ષ નિમિત્તે સામૂહિક ગાન અને સ્વદેશી સંકલ્પનો કાર્યક્રમ યોજાયો હતો.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગુજરાત વિધાનસભા પરિસર ખાતે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘વંદે માતરમ્’નું સામૂહિક ગાન અને સ્વદેશી અપનાવવાના સંકલ્પનું પઠન કરવામાં આવ્યું હતું.
‘વંદે માતરમ્’ના ગાન બાદ સ્વદેશીને રોજિંદા જીવનનો ભાગ બનાવવા અને સ્વદેશી ચીજોને રોજબરોજના જીવનમાં અપનાવવા માટે સામૂહિક શપથ લેવાયો હતો.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વંદે માતરમ્’ને વિકાસનો રાજમાર્ગ, સંકલ્પિત રાષ્ટ્ર જીવનનો મહામાર્ગ અને આપણી આઝાદીનો ધબકાર ગણાવ્યો છે. તેમણે આગળ જણાવ્યું કે ‘વંદે માતરમ્’ ભારતના આત્માનો નાદ છે, જે દરેક ભારતીયના હૃદયમાં ઊર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવે છે.
મુખ્યમંત્રીશ્રીએ સૌ નાગરિકોને સ્વદેશીને બળ આપતા અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.










