- 06 Nov, 2025
- 45
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ની ઉજવણી — અંબાજીથી શરૂ થશે જનજાતીય ગૌરવ રથયાત્રા
અંબાજી - ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ની ઉજવણી ઊજવાઈ રહી છે. આ અવસરે રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ તા. 7 નવેમ્બર 2025ના રોજ અંબાજી ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષસ્થાને રહી અંબાજી ખાતેથી “જનજાતીય ગૌરવ રથયાત્રા”નું પ્રસ્થાન કરાવશે. આ રથયાત્રા જનજાતિ સમાજના સમૃદ્ધ ઇતિહાસ, પરંપરા અને રાષ્ટ્રીય યોગદાનને ઉજાગર કરશે.
કાર્યક્રમની તૈયારીઓ અને સુચારુ આયોજનને લઈને મંત્રીશ્રી પૂનમચંદ બરંડાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેકટરશ્રી સહિત વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા તા. 7 થી 13 નવેમ્બર દરમિયાન અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ 1,378 કિ.મી.ની ‘જનજાતીય ગૌરવ રથયાત્રા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા દરમિયાન રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો, સાંસ્કૃતિક પ્રદર્શનો, અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ જનજાતિ સમુદાયના ગૌરવપૂર્ણ વારસા અને દેશસેવાને ઉજવશે.










