અમદાવાદ: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે સાબરમતી રિવરફ્રન્ટ પર આજે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2026’નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે તૈયાર કરવામાં આવેલા વિશાળ ફ્લાવર મંડલા અને સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પોર્ટ્રેટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

#AmdavadFlowerShow2026 હેઠળ એક સાથે બે નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયા છે. આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (@AmdavadAMC) દ્વારા આયોજિત ફ્લાવર શૉએ સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડ નોંધાવીને હેટ્રિક સર્જી છે, જેના કારણે અમદાવાદ અને ગુજરાતનું નામ વિશ્વભરમાં ગૌરવપૂર્વક પ્રસર્યું છે.

ઉલ્લેખનીય છે કે, સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે તૈયાર કરાયેલ ફ્લાવર મંડલાનું Differential Global Positioning System (DGPS) ટેક્નોલોજી દ્વારા ચોક્કસ માપન કરવામાં આવ્યું હતું. આ ફ્લાવર મંડલાનો વ્યાસ આશરે 33.6 મીટર અને કુલ વિસ્તાર 886.789 ચોરસ મીટર નોંધાયો છે, જે વિશ્વમાં સૌથી મોટું ફ્લાવર મંડલા બન્યું છે.

તેની સાથે જ, ભારતના લોખંડ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ પણ આ ફ્લાવર શૉનું મુખ્ય આકર્ષણ બન્યું છે. આ પોર્ટ્રેટની કુલ લંબાઈ 41.17 મીટર, પહોળાઈ 8 મીટર અને કુલ વિસ્તાર 329.360 ચોરસ મીટર નોંધાયો છે.

આ ભવ્ય સિદ્ધિ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉએ માત્ર ફૂલોના સૌંદર્યનો જ નહીં પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ, આયોજન ક્ષમતા અને વૈશ્વિક પ્રતિષ્ઠાનો પણ ઉજાસ પાથર્યો છે.

Share :

સંબંધિત સમાચાર