પ્રાકૃતિક ખેતી , કુદરતી ખેતી સાથે કૃષિનું પરિવર્તન - આચાર્ય દેવવ્રતજી
પાટણ : પ્રાકૃતિક ખેતી એ એક કૃષિ અભિગમ છે જે કૃત્રિમ ખાતરો, જંતુનાશકો અને આનુવંશિક રીતે સંશોધિત સજીવો (જીએમઓ) ના ઉપયોગને ટાળે છે. તેના બદલે તે જમીનની ફળદ્રુપતા જાળવવા જીવાતો અને રોગોને નિયંત્રિત કરવા અને છોડના તંદુરસ્ત વિકાસને પ્રોત્સાહન આપવા માટે કુદરતી પ્રક્રિયાઓ અને સામગ્રી પર આધાર રાખે છે. પ્રાકૃતિક ખેતી થી જમીનના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગમાં ધરખમ ઘટાડો,પાકની ઉપજ વધતા ખેડૂતોની આવક વધવી, પ્રાકૃતિક ખેત પેદાશોને બજારમાં વધુ ભાવ જેવા અનેક ઘણા લાભો જોવા મળે છે.
માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત કુદરતી ખેતી પદ્ધતિઓ દ્વારા તેના કૃષિ લેન્ડસ્કેપમાં નોંધપાત્ર પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા પાટણ જિલ્લામાં ક્લસ્ટર આધારિત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત નેચરલ ફાર્મિંગ ડેવલપમેન્ટ બોર્ડ, આત્મા પ્રોજેક્ટ, કૃષિ અને બાગાયત વિભાગો કુદરતી ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે સહયોગ કરી રહ્યા છે. જેના પરીણામે ખેડૂતો ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડીને કેમિકલ મુક્ત ખેતી તરફ વળી રહ્યા છે. જીલ્લાના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતીનો લાભ લેતા બન્યા છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વેગ મળે એ માટે માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વમાં સંનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતીએ ક્રાંતિકારી અભિગમ છે. રાસાયણિક ખેતી ગ્લોબલ વોર્મિંગ પેદા કરે છે અને પ્રાકૃતિક ખેતી ગ્લોબલ વોર્મિંગને સમાપ્ત કરે છે તેમજ પર્યાવરણને અનુકૂળ બનાવે છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં પાણીની જરૂર ૫૦ ટકા જેટલી ઓછી હોય છે જેનાથી ભૂગર્ભજળનું સ્તર ઉપર આવે છે.''જળ એ જ જીવન છે" પરંતુ આજે પાણી પીવાલાયક રહ્યું નથી, પ્રાકૃતિક ખેતી કરશો તો તેમાં ઝેર વપરાતું નહીં હોવાને લીધે ઝેર પાણીમાં જશે નહીં અને આવનારી પેઢીઓને શુદ્ધ પાણી મળશે.

પ્રાકૃતિક ખેતીથી કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે, આવનારી પેઢીઓને વારસામાં ફળદ્રુપ જમીન મળશે. પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત હોય છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ભારતીય દેશી ઓલાદની ગાયોની ઓલાદોમાં સુધારણા થશે. દેશી ગાય હાલતી ચાલતી જીવાણુઓની ફેક્ટરી છે, જો ગાય બચશે તો તેનું દૂધ માનવ કલ્યાણના કામમાં આવશે. તેનું ગોબર, ગૌમૂત્ર ખેતીને બચાવશે.
રાસાયણિક ખેતીથી તૈયાર થયેલો ઝેરી ખોરાક ખાઈને હોસ્પિટલો દર્દીઓથી ભરી પડી છે, પ્રાકૃતિક ખોરાક ખાવાથી આપણે સ્વસ્થ રહીશું. તેમજ શારીરિક રીતે મજબૂત બનીશું અને બીમારીથી બચીશું. પર્યાવરણીય સંરક્ષણ, ટકાઉ વિકાસ અને ભાવિ પેઢીની સુખાકારી માટે પ્રાકૃતિક ખેતી નિર્ણાયક છે.






.jpg)



