- 22 May, 2025
- 302
સિંહની સંખ્યા વધી ત્યાં ગુજરાતમાં વાધ દેખાયો, 5 વર્ષ બાદ રાજ્યમાં એન્ટ્રી, 4 મહિનાથી જંગલમાં આંટાફેરા
દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં એક વખત ફરી વાઘ જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, ચાર મહિનાથી વધુ સમય પહેલાં વનવિભાગના કર્મચારીઓને જંગલમાં વાઘ જેવા પ્રાણીના પગમાર્ક જોવા મળ્યા હતા. ત્યારબાદ વાઘની હાજરીને પાક્કી કરવા માટે ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. આ કેમેરામાં સ્પષ્ટ રીતે વાઘ જોવા મળી રહ્યો છે. જેથી તેનો ફોટો લઇને વનવિભાગે વાઘ હોવાનું પુષ્ટિ કરી દીધું છે.

ત્યારથી વાઘની સલામતી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. વાઘને ખોરાક અને પાણી સરળતાથી મળી રહે તે માટે પણ તકેદારી રાખવામાં આવી છે. આ વાઘ ક્યાંથી આવ્યો તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. દાહોદ જિલ્લાના બારિયા વિસ્તારમાં દેખાયેલા આ વાઘ વિશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે તે મધ્ય પ્રદેશથી અહીં આવ્યો હોય શકે છે.
મધ્ય પ્રદેશના પેન્ચ નેશનલ પાર્ક અને શિવની જેવા વાઘ અભયારણ્યો છિંદવાડા જિલ્લામાં આવેલા છે, જે દાહોદથી લગભગ 650 કિ.મી. દૂર છે. તેમ છતાં વિશેષજ્ઞો માને છે કે વાઘ તેનું અંતર કાપી શકે તેવી શક્યતા છે, પણ વધુ સભાવના ઈન્દોર અને ઝાબુઆ વચ્ચેના જંગલ વિસ્તારમાંથી આવવાની છે, જે દાહોદથી નજીક પડે છે.
ગુજરાતના ઇતિહાસ પર નજર કરીએ તો દાયકાઓ પહેલાં વલસાડથી લઈને અંબાજી સુધીના ટ્રાઈબલ વિસ્તારોના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. એમ તો અમદાવાદ શહેરની હદમાં પણ વાઘના પ્રવેશના કેસ નોંધાયા છે. ઉત્તર ગુજરાતના બાલારામ વનવિસ્તારમાં પણ વાઘ દેખાયાની ઘટનાઓ વનવિભાગના રેકોર્ડમાં છે.










