ધારપુર,  ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલી અંગદાન જનજાગૃતિ ઝૂંબેશને આજે એક નવી દિશા મળી છે. ધારપુરની જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલમાં સૌપ્રથમ અંગદાન થવાથી માનવતાનો અનોખો અને ભાવનાત્મક પ્રસંગ સર્જાયો છે.

ધારપુરના નિવાસી શ્રી દીપકભાઈ ભવાનભાઈ પરમાર (ઉંમર 55 વર્ષ) ને તા. 6 નવેમ્બર 2025ના રોજ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આવા દુઃખદ પ્રસંગમાં પણ તેમના પરિવારજનોએ માનવતાના ઉત્તમ આદર્શરૂપે અંગદાન કરવાનો ઉમદા અને પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો.

શ્રી દીપકભાઈ પરમાર દ્વારા લીવર અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે ત્રણ લોકોને નવું જીવન મળ્યું છે. આ સમગ્ર પ્રક્રિયા ધારપુર હોસ્પિટલના મેડિસીન, એનેસ્થેશિયા, સર્જરી વિભાગો, નર્સિંગ સ્ટાફ, આર.એમ.ઓ., મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ મેડમ તથા ડીન સાહેબના સંકલિત અને સમર્પિત પ્રયત્નોથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો, જેના માધ્યમે દાનમાં મળેલ લીવર ધારપુરથી અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ (IKD) સુધી સુયોગ્ય રીતે પહોંચાડવામાં આવ્યું હતું. IKDની નિષ્ણાત ટીમ દ્વારા આ અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

શ્રી દીપકભાઈ પરમારના આ પરોપકારી નિર્ણયથી સમાજમાં માનવતા, સહાનુભૂતિ અને અંગદાન પ્રત્યેની નવી જાગૃતિ પ્રસરી છે.

Share :

સંબંધિત સમાચાર