કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીની પ્રથમ દીક્ષાંત સમારંભની ગૌરવમય ક્ષણ
અમદાવાદ, તા. – ગુજરાતની અગ્રણી કૌશલ્ય આધારિત શૈક્ષણિક સંસ્થા કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી (KSU) એ આજે પોતાના પ્રથમ દીક્ષાંત સમારંભ દ્વારા ઇતિહાસ રચ્યો. સમારંભમાં કુલ ૬૫૭ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ ભવ્ય કાર્યક્રમ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના પ્રાંગણમાં યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભ દરમિયાન ૩૨૬ પોસ્ટ ડિપ્લોમા, ૧૪૫ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, ૨૨ ડિપ્લોમા, તેમજ ૧૬૪ એડવાન્સ ડિપ્લોમા ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, લેબર લૉ, ટેક્સ પ્રેક્ટિસ, સ્ટીલ ટેક્નોલોજી, રિન્યુએબલ એનર્જી અને કાઉન્સેલિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ૧૮ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકથી નવાજવામાં આવ્યા, જે કૌશલ્ય શિક્ષણ ક્ષેત્રે યુનિવર્સિટીના ઉત્કૃષ્ટ માર્ગદર્શનને પ્રતિબિંબિત કરે છે.
કૌશલ્યા યુનિવર્સિટીના ઉપક્રમે યુવાનોને માત્ર નોકરી માટે નહીં પરંતુ રોજગાર સર્જક તરીકે તૈયાર કરવામાં આવે છે. યુનિવર્સિટીની વિવિધ સ્કૂલ્સ ઉદ્યોગો સાથે ભાગીદારી કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડ્રોન ટેક્નોલોજી, સાયબર સિક્યોરિટી અને ફિનટેક જેવા આધુનિક ક્ષેત્રોમાં કેપેસિટી બિલ્ડિંગ અને ટ્રેનિંગ સેન્ટર્સ સ્થાપી રહી છે.
આ સમારંભ માત્ર ડિગ્રી વિતરણનો પ્રસંગ નહોતો, પરંતુ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો માટે કૌશલ્ય, શિક્ષણ અને ટેક્નોલોજીનો અનોખો સમન્વય દર્શાવતો એક ગૌરવપૂર્ણ ક્ષણ બની રહ્યો.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ તથા યુનિવર્સિટીના અધ્યક્ષ શ્રી પંકજ જોશી, ડો. વિનોદ રાવ (IAS) – અગ્ર સચિવ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ; શ્રી નિતિન સાંગવાન (IAS) – નિયામકશ્રી; શ્રી કે.ડી. લાખાણી (IAS) – નિયામકશ્રી, શ્રમ વિભાગ; શ્રી સી.એલ. મીણા (નિવૃત્ત IAS); ડો. એસ.પી. સિંઘ, ડીજી – KSU; તેમજ AM/NS ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી અશુતોષ તેલંગ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.










