Anand: ચરોતરમાં વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતાતુર
હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્યમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે સાથે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં ચરોતર સહિત આણંદ -ખેડા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 36 કલાક દરમિયાન વૈશાખી વાયરા તે જ બન્યા છે. તેમજ દિવસે લુ લાગે તેવા ગરમ પવન લોકો અનુભવે છે. જ્યારે રાત્રિના સમયે પવનના કારણે વાતાવરણમાં સાધારણ ઠંડક પ્રસરે છે. આ દરમિયાન રવિવાર સવારથી વાતાવરણમાં પલટા સાથે આકાશમાં વાદળોની ઘેરાબંધી જોવા મળી હતી. જેના કારણે આણંદ -ખેડા જિલ્લા ઉપરાંત ચરોતર પંથકમાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની ભીતિ ઊભી થઈ હતી. જોકે રવિવારે મોડી સાંજ સુધી વાતાવરણમાં પલટાના દોર વચ્ચે આણંદ જિલ્લામાં કોઈ જગ્યાએ માવઠું થયું હોવાના અહેવાલો મળ્યા નથી. આગામી તા. 7મી અને તા. 8 મેની આસપાસ રાજ્યના કેટલાક વિસ્તારો સહિત આણંદ જિલ્લામાં પણ કોઈ જગ્યાએ છૂટો છવાયો હળવો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. બીજી તરફ્ વાતાવરણમાં પલટો અને કમૌસમી વરસાદની દહેશતને લઈ ધરતીપુત્રોમાં ચિંતા વ્યાપી છે. આણંદ જિલ્લામાં 83 હજાર હેક્ટર ઉપરાંત વિસ્તારમાં ઉનાળુ ડાંગર, બાજરી, શાકભાજી તથા ઘાસચારા સહિત અન્ય ખેતી પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં જો કમોસમી વરસાદ વરસે તો ખેતીપાકમાં નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.


