સિદ્ધપુર: સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે “એક સપનું, બાર રસ્તે, એક મંઝિલ” ના પ્રેરણાદાયી સૂત્ર સાથે યુનિવર્સિટીના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ૧૨ વિદ્યાર્થી ક્લબોનું લોકાર્પણ યુનિવર્સિટીના ચેરમેન અને માનનીય ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ કરવામાં આવેલા આ ક્લબો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત, સંશોધન, નવીનતા, પર્યાવરણ સંરક્ષણ, કૌશલ્ય વિકાસ, નેતૃત્વ અને સામાજિક સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓની સુષુપ્ત પ્રતિભાઓને ઉજાગર કરવા માટે સશક્ત મંચ પૂરો પાડશે. આ પ્રસંગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્લબનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આધુનિક ટેક્નોલોજીના યુગમાં આ ક્લબ વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડિજિટલ ટેક્નોલોજી અને નવીન સંશોધન ક્ષેત્રે જ્ઞાન તથા કૌશલ્ય વિકસાવવાની તકો પૂરી પાડશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને સાકાર કરવામાં યુવા પ્રતિભાઓ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે તે દિશામાં આ પહેલ ઉપયોગી બનશે. આ પ્રસંગે વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે તેમનામાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા, નેતૃત્વ ક્ષમતા અને સામાજિક જવાબદારી જેવા ગુણો વિકસાવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ૧૨ વિદ્યાર્થી ક્લબો વિદ્યાર્થીઓને પોતાની રુચિ અને ક્ષમતા અનુસાર આગળ વધવા તેમજ ભવિષ્યના સક્ષમ નાગરિકો અને નેતાઓ બનવા માટે પ્રેરિત કરશે.
Subscribe to our newsletter to get latest news, popular news and exclusive updates.