- 22 Apr, 2026
- 131
સિદ્ધપુરમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો 6મો ભવ્ય પદવીદાન સમારોહ યોજાયો
સિદ્ધપુર ખાતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો “છઠ્ઠો વાર્ષિક પદવીદાન સમારોહ” મહામહિમ રાજ્યપાલશ્રીમતી આનંદીબેન પટેલજીના ગૌરવપૂર્ણ અધ્યક્ષસ્થાને ભવ્યતા અને ગૌરવ સાથે યોજાયો. આ પ્રસંગે માનનીય ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ તેમજ ખોડલધામના અધ્યક્ષ શ્રીમતી અનારબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
સમારોહ દરમિયાન કુલ 1,873 પદવીઓ, 42 ગોલ્ડ મેડલ અને 42 સિલ્વર મેડલ એનાયત કરીને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહામહિમ રાજ્યપાલશ્રીએ પોતાના સંબોધનમાં ઉચ્ચ શિક્ષણમાં ડિજિટલ અને ટેક્નોલોજી આધારિત અભિગમ સાથે સંશોધન, નવીનતા અને સ્કિલ ડેવલપમેન્ટના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે યુનિવર્સિટીને NAAC માં “A” ગ્રેડ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા રાજ્યપાલશ્રીએ વૃક્ષારોપણ કરીને હરિત અને સ્વચ્છ ભારતના સંકલ્પને મજબૂત બનાવ્યો હતો. સાથે સાથે તેમણે ગર્ભસંસ્કાર કેન્દ્રની મુલાકાત લઈને ત્યાં ચાલી રહેલી મૂલ્ય આધારિત પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી.
આ અવસરે માનનીય બલવંતસિંહ રાજપૂત સાહેબે જણાવ્યું હતું કે પદવીદાન સમારોહ અંતિમ લક્ષ્ય નહીં પરંતુ નવી શરૂઆત છે. વિદ્યાર્થીઓએ પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રના હિત માટે કરવો જોઈએ અને ‘વિકસિત ભારત @ 2047’ના નિર્માણમાં યોગદાન આપવું જોઈએ.
સમારોહમાં શ્રી જયેશભાઈ પટેલ, શ્રી અર્જુનસિંહ રાજપૂત, વાઈસ ચાન્સેલર ડૉ. એમ.એસ. રાવ, રજીસ્ટ્રાર શ્રી ચેતનસિંહ તેમજ યુનિવર્સિટીના પ્રિન્સિપાલશ્રીઓ, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.










