આગામી 48 કલાકમાં જ...! આંધી-તોફાન સાથે દેશના આ રાજ્યોમાં મેઘરાજા મચાવશે તબાહી
અત્યારે રાજધાની દિલ્હી સહિત સમગ્ર ભારતમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ, વાવાઝોડા, વીજળી અને ભારે પવનની અસર જોવા મળી રહી છે. બુધવારે દિલ્હીમાં આવેલી ઝરમર વરસાદ અને પવનના જોર બાદ હવામાનમાં ઠંડક આવી છે. હવામાન વિભાગે 23 અને 24 મે માટે ચેતવણી આપી છે કે દિલ્હીમાં ભારે પવન અને વરસાદ થઈ શકે છે. આ દરમિયાન લઘુત્તમ તાપમાન 23 થી 25 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે મહત્તમ તાપમાન 37 થી 38 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. જોકે, 25 મે પછી તાપમાનમાં ફરીથી વધારો થશે.

કેરળ , કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 28 મે વચ્ચે કેરળ, કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને 24 મેના રોજ દરિયાકાંઠાના કર્ણાટકમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા અને તેલંગાણામાં વાવાઝોડા અને તેજ પવન ફૂંકાઈ શકે છે.
)
પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ
પશ્ચિમ ભારતમાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે , કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત અને મરાઠવાડામાં વીજળી સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં પણ વાવાઝોડા સાથે વરસાદ વરસી શકે છે. 23 થી 27 મે દરમિયાન આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે. 23 થી 25 મે દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદની શક્યતા છે. મધ્ય પ્રદેશ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ 23 થી 26 મે દરમિયાન વીજળી અને ભારે પવન ફૂંકવાની શક્યતા છે. 23 મેના રોજ ખાસ કરીને પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઝારખંડ, ગંગાના મેદાની વિસ્તારમાં પવનનો જોર જોવા મળી શકે છે.
ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ વાતાવરણ બદલાઇ શકે છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં વીજળી સાથે વરસાદ પડી શકે છે. 23 થી 28 મે દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનમાં હળવો વરસાદ, વીજળી અને પવનની શક્યતા છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે. પશ્ચિમ રાજસ્થાનમાં ધૂળની આંધી પણ આવી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાનમાં પણ ફેરફાર જોવા મળશે. 2-4 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ઘટી શકે છે અને પછી ફરી 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને લોકો માટે સલાહ આપવામાં આવે છે કે તેઓ બહાર જતા પહેલા હવામાનની સ્થિતિ તપાસે અને ખાસ કરીને ખેતમજૂરો અને દરિયાકાંઠાના રહેવાસીઓએ વધુ સાવચેત રહેવું જોઈએ.










